શ્રી યમુનાષ્ટકમ્ ભાવાર્થ સાથે
શ્રી યમુનાષ્ટકમ્ ભાવાર્થ સાથે
શ્રીયમુનાષ્ટકમ્
શ્રીમહાપ્રભુજી પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં સં. ૧૫૪૮ માં તેર વર્ષની ઉંમરે મથુરા પધાર્યા અને વિશ્રામઘાટ ઉપર મુકામ કર્યો, ત્યારે પૃથ્વી છંદમાં રચેલ ‘શ્રીયમુનાષ્ટકમ્’ સ્તોત્ર દ્વારા શ્રીયમુનાજીના દિવ્ય સ્વરૂપની સ્તુતિ કરી. આ સ્તોત્રના પહેલા આઠ શ્લોકોમાં શ્રીયમુનાજીનાં આઠ ઐશ્વર્યોનું તેમના અલૌકિક અદ્ભુત સ્વરૂપનું અને તેમના દિવ્ય ધર્મોનું વર્ણન કર્યું છે.
આધિદૈવિક સૂર્યનાં પુત્રી શ્રીયમુનાજી ભક્તો ઉપર કૃપા કરવા ગોલોક ધામમાંથી કલિંદ પર્વત દ્વારા ભૂતળ ઉપર પધાર્યા છે. તેમનું આધિભૌતિક જળ સ્વરૂપ પણ અત્યંત શોભાયમાન છે. દુષ્ટ સ્વભાવવાળા જીવોનો ભગવસંબંધ શ્રીયમુનાજી જ કરાવી આપે છે તેવાં આપ અત્યંત દયાળુ છે. શ્રીયમુનાજી પોતાના ભક્તોને અષ્ટસિદ્ધિ અને અષ્ટ ઐશ્વોનું દાન કરે છે. તરસ છિપાવવા માટે પણ તેમના જલનું પાન કરનાર યમ-યાતનામાંથી છૂટતો હોય, તો આપનું માહાત્મ્યજ્ઞાન જાણીને પ્રેમભક્તિપૂર્વક આપનું પયપાન કરનાર ભક્તને પુષ્ટિમાર્ગનું ઉત્તમોત્તમ ફળ શ્રીયમુનાજી આપે તેમાં આશ્ચર્ય શું?
શ્રીમહાપ્રભુજીના ૮૪ વૈષ્ણવો પૈકીનાં કિશોરીબાઇ આ ગ્રંથના ચોથા શ્લોકનો શ્રદ્ધાપૂર્વક અર્નિશ પાઠ કરતાં હતાં. એમને શ્રીયમુનાજીએ સ્વયં પધારી અલૌકિક ફળનું દાન કર્યાનો પ્રસંગ આપણે જાણીએ છીએ. આવા શ્રીયમુનાષ્ટકનો અર્થના અનુસંધાન સાથે હંમેશા પાઠ કરવાથી મળનારાં અલૌકિક ફળ શ્રીમહાપ્રભુજીએ છેલ્લા - નવમા શ્લોકમાં બતાવ્યાં છે.
સ્વરૂપ
નમામિ યમુનામહં, સકલ સિદ્ધિ હેતું મુદા । મુરારિ પદ પંકજ - સ્ફુરદમન્દ રેણૂત્કટામ્ ॥ તટસ્થ નવ કાનન - પ્રકટ મોદ પુષ્પામ્બુના । સુરાસુર સુપૂજિત, સ્મરપિતુઃ શ્રિયં બિભતીમ્ ॥૧॥
ભાવાર્થ : સકલ સિદ્ધિઓને આપનારાં, મુરારિના ચરણકમલ વિષે પ્રકાશમાન અને ઘણી એવી રજ જેમાં અધિક છે એવાં, તથા કિનારામાં રહેલાં નવાં વનોમાં ખીલેલા અને સુગંધીવાળાં પુષ્પો વડે યુક્ત જલ વડે કરીને સુરાસુર પૂજિત શ્રીકૃષ્ણની શોભાને ધારણ કરનારાં શ્રીયમુનાજીને હું હર્ષ વડે નમન કરું છું. ॥૧॥
ઉદ્ગમ અને પ્રયાણ
કલિન્દ ગિરિ મસ્તકે, પતદમન્દ પૂરોજ્જ્વલા I વિલાસ ગમનોલ્લસત્, પ્રકટ ગણ્ડ શૈલોન્નતા II સઘોષ ગતિ દન્તુરા, સમધિ રૂઢ દોલોત્તમા | મુકુન્દ રતિવર્ધિની, જયતિ પદ્મ બન્ધોઃ સુતા ||2||
ભાવાર્થ : કલિંદ પર્વતના શિખર ઉપર પડતા ધોધ વડે ઉજ્વલ, વિલાસપૂર્વક ગમન કરવાથી શોભાયમાન, ખુલ્લી રીતે દેખાતા ગંડોલોએ કરીને ઉંચા, શબ્દ સહિત ચાલવાથી વિવિધ તરેહના વિકારવાળા, જાણે ઉત્તમ પાલખીમાં ન બિરાજ્યા હોય એવા અને મુકુન્દમાં ભક્તની અને ભક્ત પર મુકુન્દની પ્રીતિને વધારનારા સૂર્યપુત્રી શ્રીયમુનાજીનો જયજયકાર હો. ॥૨॥
ભૂતલ પર પધારવાનો પ્રકાર અને હેતુ
ભુવં ભુવન પાવની, મધિગતામનેકસ્વનૈઃ । પ્રિયા ભિરિવ સેવિતાં, શુક મયુર હંસાદિભિઃ II તરંગ ભુજ કંકણ, પ્રકટ મુક્તિકા વાલુકા । નિતમ્બ તટ સુન્દરી, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ્ ॥૩॥
ભાવાર્થ : સર્વ લોકોને પવિત્ર કરનારા અને પ્રિય સખીઓની જેમ મધુર શબ્દવાળા શુક, મેના, મયૂર અને હંસ વગેરે પક્ષીઓથી સેવાતા તથા શ્રીહસ્ત વિષે રહેલા તરંગરૂપી કંકણમાં ખુલ્લી રીતે દેખાતા વેણુરૂપ મોતીના દાણા વડે યુક્ત અને તટરૂપ નિતંબ વડે સુંદર જણાતા એવા પૃથ્વી ઉપર પધારેલા શ્રીયમુનાજીને (હે ભક્તો) નમન કરો.॥3||
ભગવત્સમાન ષડવિધિ ઐશ્વર્ય
અનંત ગુણ ભૂષિતે, શિવ વિરંચિ દેવસ્તુતે । ઘના ઘન નિભે સદા, ધ્રુવ પરાશરા ભીષ્ટદે ॥ વિશુદ્ધ મથુરા તટે, સકલ ગોપ ગોપી વૃતે । કૃપા જલધિ સંશ્રિતે, મમ મનઃ સુખં ભાવય ॥૪॥
ભાવાર્થ : (૧) અનંત ગુણો વડે શોભાયમાન, (૨) શિવ બ્રહ્માદિ દેવોએ સ્તવાતા, (૩) નિરંતર મોટા મેઘના સરખી કાન્તિવાળા, (૪) ધ્રુવ અને પરાશરને ઇચ્છિત ફલ દેનારા, (૫) મોક્ષદા મથુરા
નગરી જેના કિનારે (ખોળામાં) છે એવા, (૬) તથા સકલ ગોપ ગોપીજનથી વીંટાયેલા, તેમજ દયાના સાગર શ્રીકૃષ્ણનો આશ્રય કરીને રહેલા એવા, હે યમુનાજી ! તમે જ મારા મનને ઉપર જણાવેલાં છ ગુણોવાળા દયાસાગર કૃષ્ણમાં જેમ સુખ થાય તેમ વિચારો, ||૪||
શ્રીયમુનાજીનો ઉત્કર્ષ
યયા ચરણ પદ્મજા, મુરરિપોઃ પ્રિયં ભાવુકા । સમાગમનતોભવત્, સકલ સિદ્ધિદા સેવતામ્ ॥ તયા સર્દશતામિયાત્, કમલજા સપત્નીવ ચત્ હરિ પ્રિય કલિન્દયા, મનસિ મે સદા સ્થીયતામ્ ॥5||
ભાવાર્થ : જેની સાથે મળવાથી ગંગાજી પણ ભગવાનના પ્રિયને કરનારા અને પોતાની સેવા કરનારા જીવોને સર્વ સિદ્ધિઓ આપનારા થયા છે તેવા શ્રીયમુનાજી સાથે સ્પર્ધા, સરખા સૌભાગ્યવાળા લક્ષ્મીજી જ વિના બીજું કોણ કરી શકે ? માત્ર લક્ષ્મીજી જ કરી શકે આવા શ્રીયમુનાજી મારા મનમાં નિરંતર બિરાજો. ||5||
અલૌકિક પ્રભાવ
નમોસ્તુ યમુને સદા, તવ ચરિત્રમત્યદ્ભૂત । ન જાતુ યમ યાતના, ભવતિ તે પયઃપાનતઃ II યમોપિ ભગિની સુતાન્, કથમુ હંતિ દુષ્ટાનપિ I પ્રિયો ભવતિ સેવનાત્, તવ હરેર્યથા ગોપિકાઃ ॥૬॥
ભાવાર્ય : હે યમુનાજી!નિરંતર તમને નમસ્કાર હો. તમારું ચરિત્ર અતિશય અદ્ભૂત છે કારણકે તમારું માત્ર જલપાન કરવાથી જ યમરાજ સંબંધીનું દુઃખ કદિ પણ થતું નથી. અને યમરાજ પણ બેનના છોકરાં (ભાણેજ) તે કદાપિ દુષ્ટ હોય તો પણ તેમને કેમ મારે ! (ન જ મારે) તમારી સેવા કરવાથી જેમ ગોપીઓ હરિને પ્રિય થઇ તેમ અન્ય જીવ પણ તમારી સેવા કરવાથી હરિને પ્રિય થાય છે.||6||
સન્નિધિનું ફળ
મમાસ્તુ તવ સન્નિધી, તનુ નવત્વ મેતાવતા । ન દુર્લભતમા રતિ મુરરિપૌ મુકુન્દ પ્રિયે ! અતોસ્તુ તવ લાલના, સુરધુની પરં સંગમાન્ 1 તવૈવ ભુવિ કીર્તિતા, ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ Il7||
ભાવાર્થ ઃ ભગવાનને પ્રિય ! હે થમુનાજી ! તમારા સમીપમાં જ મને નૂતન (લીલામાં સેવોપયોગી) દેહ મળો, અને જો એમ થશે તો ભગવાનમાં પ્રીતિ દુર્લભ નથી, એટલા માટે જ તેમને લળી લળીને વિનવું છું. અને શ્રી ગંગાજી પણ તમારા સંગથી જપૃથ્વીમાં વખણાયા છે. તેથી પુષ્ટિમાર્ગમાં રહેલા જીવો, તો કયારે પણ તમારા સિવાય એકલા ગંગાજીને વખાણતા નથી. II7||
શ્રીયમુનાજીનો ઉત્કર્ષ
સ્તુતિ તવ કરોતિ કઃ, કમલજા સપત્નિ પ્રિયે । હરેર્યદનુ સેવયા, ભવતિ સૌખ્ય મામોક્ષતઃ || ઈયં તવ કથાધિકા, સકલ ગોપિકા સંગમ | સ્મર શ્રમ જલાણુભિઃ, સકલ ગાત્રજૈઃ સંગમઃ ||8||
ભાવાર્થ : લક્ષ્મીજીના સમાન ભાગ્યવાળા અને ભગવાનને પ્રિય હે યમુનાજી ! તમારી સ્તુતિ કોણ કરી શકે? કારણકે શ્રી હરિ સંબંધી જે લક્ષ્મીની સેવા છે તેથી તો મોક્ષ પર્યંત જ સુખ થાય છે. પરંતુ તમારો મહિમા તો એથી યે અધિક છે, કારણકે તમારી સેવા કરવાથી સર્વ અંગથી ઉત્પન્ન થયેલાં એવાં સર્વ ગોપીજનોના સમાગમથી થયેલા શ્રમ જલનાં જે બિન્દુઓ તેની સાથે સમાગમ થાય છે.||8||
પાઠનું ફળ
તવાષ્ટકમિદં મુદા, પઠતિ સૂરસૂતે સદા । સમસ્ત દુરિત ક્ષયો, ભવતિ વૈ મુકુંદે રતિઃ II તયા સકલ સિદ્ધયો, મુરરિપુશ્ચ સંતુષ્યતિ । સ્વભાવ વિજયો ભવે-વદતિ વલ્લભઃ શ્રીહરેઃ
||9||
ભાવાર્થ : સૂર્યના પુત્રી હે યમુનાજી ! તમારા આ અષ્ટકનો જે માણસ હંમેશા હર્ષ કરીને પાઠ કરે છે તે માણસનાં નિશ્ચયે કરીને સઘળાં પાપોનો નાશ થાય છે, અને તેને ભગવાન મુકુન્દ્રમાં પ્રીતિ થાય છે, કે જે પ્રીતિ વડે સર્વસિદ્ધિઓ સિદ્ધ થાય છે, અને ભગવાન પ્રસન્ન થાય છે તથા (ભગવાન તથા ભક્ત બન્નેના) સ્વભાવનો વિજય થાય છે. એ રીતે ભગવાનને પ્રિય એવા શ્રીમહાપ્રભુજી કહે છે. ||9||
।। ઇતિ શ્રીમદ્ વલ્લભાચાર્ય-વિરચિતં શ્રી યમુનાષ્ટક સ્તોત્રં સંપૂર્ણમ્ ॥
Comments
Post a Comment
આપના અમૂલ્ય મંતવ્ય બદલ આભાર
જય શ્રી કૃષ્ણ :